જો તમે ગુજરાતી મૂવી ‘નાડીદોષ’ ફેમીલીમાં જોવા જવા વિચારી રહ્યાં સવો તો તેના આ રિવ્યૂ આ ચોક્કસ વાચી લેજો

‘જંગલી, ગઈ રાતે તેં મારી બે નાઈટી ફાડી નાંખી’, ‘ચાલ, સાથે Shower લઈએ. ઈ બહાને એક રાઉન્ડ પતી જશે.’, ‘આપણે ત્રણ દિવસથી રૂમની બહાર જ નથી નીકળ્યા. ચાલને, આજે ક્યાંક ફરવા જઈએ.’, ‘પાંચ મોટા પેકેટ (કોન્ડોમના) લઈ ગ્યો’તો, બધા વપરાય ગયા’...જો આ ડાયલોગ્સ તમને એન્ટરટેઈનીંગ, કોમેડી કે ઈન્ટરેસ્ટીંગ લાગતા હોય, તો તમે આજને આજ ગુજરાતી મૂવી ‘નાડીદોષ’ જોઈ નાંખો. પણ પ્લીઝ.. તમારી સાથે તમારા બાળકો કે મમ્મી-પપ્પાને લઈ જવાની ભૂલ ન કરતાં. કારણકે એક ‘સ્વચ્છ અને સુઘડ’ વિષય પર બનેલી ‘ફેમિલી’ ગુજરાતી મૂવી બતાવવા માટે, હું મારી દસ વર્ષની દીકરીને સાથે લઈ જવાની ભૂલ કરી ચુક્યો છું. (વોર્નિંગ : આ લેખમાં ખૂબ બધા સ્પોઈલર્સ છે.) 


ના, ના. વાંક ગુજરાતી ફિલ્મ-મેકર્સનો નથી. વાંક તો મારો હતો કે મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ શોધતા/વાંચતા/સમજતા ન આવડ્યું. વાંક મારો જ હતો કે એક ગુજરાતી મૂવીમાં ડબલ મીનીંગ ડાયલોગ્સ, બીલો ધ બેલ્ટ કોમેડી, ઇન્ટીમેટ સીન્સ કે Over-romanticism ક્યારેય હોઈ જ ન શકે એવી મેં અપેક્ષાઓ રાખી. હું તો ભૂલી જ ગયેલો કે ગુજરાતી સિનેમા ગ્રો થઈ રહ્યું છે, મચ્યોર થઈ રહ્યું છે, અર્બન થઈ રહ્યું છે અને ગુજરાતી સિનેમાનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. 

આ અર્બનાઈઝેશન, ગ્રોથ અને મેચ્યોરિટીનું એક નાનકડું ઉદાહરણ આપું ? ફિલ્મમાં રહેલા આ Textual Conversation વાંચો. 

‘tane khichdi kem nathi bhavti ?’
‘bahu laambi story chhe.’
‘na. keh ne.’
‘chhod have.’ 
‘atyare na saaru lage. Lagan pachhi.’ 

જો આ ડાયલોગ તમને સમજાણો જ નથી તો તમારા ભોળપણ કે નિર્દોષતા બદલ તમને માફ કર્યા. જો સમજાયો છે અને મજા આવી છે, તો અભિનંદન. તમારો ટેસ્ટ થોડો અલગ છે. જો સમજાયો છે અને અરુચિકર લાગ્યો તેમ છતાં તમે ચૂપ છો, તો તમારી ઉદારતા માટે મને માન છે.. પણ ૨૫૦ રૂપિયાની  એક એવી ત્રણ ટીકીટ ખર્ચીને હું કોઈ ગુજરાતી મૂવી જોવા જતો હોઉં, તો I expect some value addition along with the content. 

બોલ્ડનેસ કે ઈન્ટીમેટ સીન્સ સામે વાંધો જ નથી. લીપ-લોક કરાવો, રીવીલીંગ કપડા પહેરાવો, સ્ટોરી કે કેરેક્ટરની ડિમાંડ પ્રમાણે જે બતાવવું પડે એ બતાવો, પણ અમને કહો તો ખરા ! U/A ના નામે તમે એડલ્ટ કન્ટેન્ટ પીરસો, તો એ ભૂલ માત્ર ફિલ્મ-મેકર્સની જ નહીં, સેન્સરબોર્ડની પણ છે. એડલ્ટ કન્ટેન્ટ એટલે કાંઈ ફક્ત ‘Nudity’ જ નહીં, અમૂક ડાયલોગ્સ કે ડબલ મીનીંગ જોક્સ પણ એડલ્ટ કન્ટેન્ટ જ ગણાય. મૂવીના ટ્રેલર વખતે ‘some dialogues or scenes may be unsuitable for certain audience’ અથવા ‘Parts of this movie may be unsuitable for children.’ એટલી નોટ લખવામાં પ્રોબ્લેમ શું છે ? એટલીસ્ટ, મમ્મી-પપ્પા અને બાળકો સાથે તૈયાર થઈને, પરફ્યુમ છાંટીને અમે Embarrass થવા તો ન આવીએ ! 

મોટો A રાખીને તમતમારે બનાવો ફૂલ-ઓન એડલ્ટ કોમેડી અને અમે જોવા પણ આવશું (બાળકો કે મમ્મી-પપ્પાને લીધા વગર), ને નહીં તો પછી અર્થસભર કન્ટેન્ટ, સેન્સીબલ ડાયલોગ્સ અને સપરિવાર સાથે માણી શકાય એવી ‘U’ ફિલ્મ બનાવો. આ U/A માં તમે ‘પેરેન્ટલ ગાઈડન્સ’ ના નામે બધી જવાબદારી અને વિવેક પેરેન્ટ્સ પર નાંખી દો, તો એક ગુજરાતી ફિલ્મના ભાવક તરીકે અમારે શું કરવાનું ? 

ઈન ફેક્ટ, ફર્સ્ટ હાફ વોઝ વન્ડરફુલ. સુંદર વિષય પસંદગી, અફલાતૂન કોમેડી (અને એ પણ કેટલીક તો જરાય વલ્ગર નહીં) અને પરફેક્ટ ફેમિલી ડ્રામા. પણ ઈન્ટરવલ પછી ગમ્મે તેમ કરીને, મારી મચડીને વિષય જસ્ટીફાય કરવા માટે એટલું બધું ઓવર-રોમેન્ટીસાઈઝ અને વલ્ગર બતાવવું પડ્યું કે મને એમ થયું કે મારી દસ વર્ષની દીકરીને હું ક્યાંક સંતાડી દઉં ! ને કાં તો ધરતી જગ્યા આપે તો હું સમાઈ જાઉં. 

ફિલ્મ-મેકિંગ મારો સબ્જેક્ટ નથી, પણ આ જ વાતને શું વધારે શાલીનતાથી, નાજુકતાથી કે ગરીમાપૂર્ણ રીતે ન બતાવી શકાય ? થોડી વધારે માવજત ન લઈ શકાય ? ગળા પર પડેલા નેઈલ કે બાઈટ માર્ક્સ સુધી તો સમજ્યા, પણ નવાઈ તો એ લાગે છે કે ફીમેલ લીડને પ્રેગ્નન્ટ કરવા માટે સ્ક્રીન પર આટલા બધા ધમપછાડા, સંઘર્ષ કે પ્રયત્નો શું કામ ? માત્ર એક ‘Unprotected Intercourse’ થી પણ તમારું કેરેક્ટર પ્રેગ્નન્ટ થઈ શક્યું હોત. એમાં પાંચ પેકેટ ખાલી થઈ જાય એટલા પ્રયત્નો કરવાની શું જરૂર હતી ? 

See, there are lots of positives in the movie. ફિલ્મની સૌથી મોટી USP એનું મ્યુઝીક અને એના ગીતો છે. ‘ચાંદલીયો’, ‘ખમ્મા’, ‘લવ્વા લવ્વી’ ઓલમોસ્ટ બધા જ ગીતો અદભૂત છે. ઈન ફેક્ટ, મિલિન્દ ગઢવીએ લખેલું ‘ખમ્મા’ સાંભળીને તો રૂંવાડા ઉભા થઈ જાય છે. રડી પડાય છે. તો પછી જે ફિલ્મના Lyrics આટલા બધા Meaningful હોય, એ ફિલ્મના ડાયલોગ્સ આટલા વલ્ગર કઈ રીતે હોઈ શકે ? ફિલ્મમાં ગવાયેલી અને  બોલાયેલી ભાષામાં આટલો વિરોધાભાસ કેમ ? આટલુ અંતર શું કામ ? 

ફિલ્મનું સૌથી મોટું અને જમા પાસુ ‘કુણાલ’ છે. એનું પાત્ર અદભૂત લખાયું છે એટલું જ નહીં, અદભૂત ભજવાયું પણ છે. I fell in love with Raunaq Kamdar. ડેફિનેટલી, હું એમને વધારે ફિલ્મોમાં જોવાનું પસંદ કરીશ. એમની સ્ક્રીન પ્રેઝન્સ પ્રેક્ષકોને એક અલગ જ રાહત આપે છે.  તકલીફ ખાલી એક જ વાતની છે, એવી તો કઈ મજબૂરી હતી કે તમારે ફિલ્મના મુખ્ય બે પાત્રોને સિગરેટ પીતા દર્શાવવા પડે ? જો એ યુવાવર્ગને આકર્ષવા માટે કરાયુ હોય તો આઈ એમ વેરી સોરી ટુ સે ધેટ યુ હેવ વેરી ચીપ એસ્ટીમેશન ઓફ ગુજરાતી યુથ. 

ગુજરાતી યુવાધન ફક્ત સ્મોકિંગ, ડ્રીન્કીંગ, કિસિંગ કે એડલ્ટ કોમેડીથી જ થીયેટર સુધી પહોંચશે એવું જો કોઈ ફિલ્મ-મેકરને લાગતું હોય, તો એ ગુજરાતી યુવાવર્ગનું અવમૂલ્યન છે. એક આટલી સુંદર ફિલ્મ, આ રીતે બગાડવાનો કોઈ અર્થ ખરો ? (Irrespective of બોક્સ ઓફિસ કલેક્શન ) 

ગુજરાતી પ્રેક્ષકોને ગુજરાતી ફિલ્મ્સ સુધી લઈ જવામાં અનેક કલાકારોનો પરસેવો છે. દેશ રે જોયા...કે મૈયરમાં મનડું નથી લાગતું થી લઈને લવની ભવાઈ સુધી, અનેક ફિલ્મ-મેકર્સ અને એક્ટર્સે પૂરી નિષ્ઠા અને નિસબતથી કામ કર્યું છે ત્યારે જઈને આજે આપણે ગુજરાતી સિનેમાનો સુવર્ણયુગ માણી રહ્યા છીએ. ચિંતા ફક્ત એટલી જ છે કે દર અઠવાડિયે રીલીઝ થતી ઢગલાબંધ ગુજરાતી મૂવીઝની વચ્ચે આપણી ક્લાસિક ગુજરાતી મૂવીઝ ક્યાંક ખોવાઈ ન જાય. બોક્સ ઓફિસ કલેક્શન વધારવા કે પ્રેક્ષકોને લોભાવવામાં ક્યાંક આપણું ઓરિજીનલ ગુજરાતીપણું ઓગળી ન જાય. 

આપણે એ ન ભૂલવું જોઈએ કે સિનેમા એ સાહિત્યનો એક ભાગ છે. કોમન મેનને એન્ટરટેઈન કરવામાં જો આપણું સ્તર નિમ્ન થતું જશે, તો એ ગુજરાતી સાહિત્ય, પ્રજા અને ભાષા સાથે બહુ મોટો અન્યાય ગણાશે. આજનું ગુજરાતી સિનેમા ‘હેલ્લારો’થી ઓળખાય છે. ‘એકવીસમું ટીફીન’, ‘ચાલ જીવી લઈએ’, ‘ડીયર ફાધર’ કે ‘લવની ભવાઈ’થી ઓળખાય છે. 

દેશ રે જોયા... કે મૈયરમાં મનડું નથી લાગતું જેવી ફિલ્મ્સમાં મેં રૂપિયાના સિક્કા ઉડતા જોયા છે. લોકોને ચિચિયારીઓ કરતાં, તાળીઓ પાડતા, સીટીઓ મારતા જોયા છે. લવની ભવાઈ અને હેલ્લારોમાં સ્ટેન્ડીંગ ઓવેશન જોઈ છે. લોકોને રડતા જોયા છે, કનેક્ટ થતાં જોયા છે, સિનેમા સાથે ઓતપ્રોત થતાં જોયા છે. મને એ ગુજરાતી ઓડિયન્સ હોવાનો ગર્વ છે. પણ મોડર્નાઇઝેશન, અર્બનાઈઝેશન કે બોલ્ડનેસના નામે કોઈ કાંઈપણ પીરસી દે, તો એના વિશે લખવાનો કે એની ટીકા કરવાનો એક ગુજરાતી તરીકે મને હક છે. 

ગુજરાતી સિનેમાને પ્રમોટ કરવા માટે હું એટલું પ્રોમીસ તો આપું જ છું કે બુક-માય-શોમાં જઈને હું અમારી ત્રણ ટીકીટ તો ખરીદી જ લઈશ ! ટીકીટ ખરીદ્યા પછી પણ... થિયેટરમાં બેસીને મારા બે કલાકનું દાન કરવું વર્થ છે કે નહીં ? એનો નિર્ણય તો ગુજરાતી ફિલ્મ-મેકર્સની સુઝ, સમજ અને સેન્સીબીલીટી જ નક્કી કરશે. 
-ડૉ. નિમિત્ત ઓઝા

Post a Comment

Previous Post Next Post